Friday, June 22, 2012

અજાણતા થયેલી એક્સ-રેની શોધ


Jun 01, 2012

સાયન્સ ટોક
શરીરના કોઈ પણ અંગનું હાડકું તૂટી જાય તો ડોક્ટર 'એક્સ-રે' રિપોર્ટ મેળવે છે અને પછી જ સચોટ નિદાન કરી શકે છે કે ખરેખર હાડકાને કેટલું નુકસાન પહોંચ્યું છે. શરીરનાં વિવિધ અંગોના એક્સ-રે રિપોર્ટ લેવામાં આવતા હોય છે ત્યારે જાણીએ કે આ એક્સ-રે એટલે કે ક્ષ-કિરણો શું છે?
એક્સ-રે માનવ શરીરનાં હાડકાંઓનું સ્પષ્ટ ચિત્ર બતાવે છે. એક્સ-રે ચિત્ર લેનારા મશીનને એક્સ-રે મશીન કહેવામાં આવે છે અને એક્સ-રેના નિષ્ણાત તબીબને રેડિયોલોજિસ્ટ કહેવામાં આવે છે. આ રેડિયેશનનાં કિરણો માનવશરીર પર પડે છે ત્યારે ચામડી કે શરીરની અંદરનો બીજો એક પણ ભાગ ચિત્રમાં આવતો નથી. માત્ર હાડકાંનો જ રેડિયોગ્રાફ આવે છે.
હા, પણ જો આપણે કોઈ ધાતુની વસ્તુઓ શરીર પર પહેરી હોય તો તે આ ચિત્રમાં આવી જાય છે, એટલે જ એક્સ-રે કરાવતા પહેલાં શરીર પર પહેરેલી આવી ધાતુની વસ્તુઓ તબીબો કાઢી નાખવાનું કહેતા હોય છે. એક્સ-રે મશીનને શરીરની લગોલગ ગોઠવવામાં આવે છે અને એક બટન દબાવતા જ નક્કી કરેલા ભાગ પરથી એક્સ કિરણો પસાર થઈ જાય છે અને જે તે ભાગનું બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્ર આવી જાય છે.
એક્સ-રે મશીનની શોધ પાછળ પણ રોચક ઇતિહાસ છે. એક્સ-રેની શોધ અન્ય શોધ વખતે અકસ્માતે થઈ હતી. જર્મનીના વિજ્ઞાની વિલ્હેમ કોનરાડ રોન્ટગન ૧૮૯૫માં વેક્યુમ ટયુબ પર પ્રયોગો કરી રહ્યા હતા ત્યારે તેનાથી અજાણતા જ આ શોધ થઈ હતી.
તેમણે એક સપ્તાહ સુધી તેમની પત્નીના હાથના એક્સ-રે ચિત્રો મેળવ્યાં હતાં અને પછી આ શોધ થયાની જાહેરાત કરી હતી. આ કિરણોની સંપૂર્ણ ઓળખ થઈ શકી ન હોવાથી તેનું નામ એક્સ-રે આપવામાં આવ્યું હતું. આ શોધ કરનાર વિજ્ઞાની વિલ્હેમ કોનરાડ રોન્ટગનને ૧૯૦૧માં ભૌતિકશાસ્ત્રનું સૌપ્રથમ નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.