Friday, August 31, 2012

બાયોનિક આંખથી દુનિયા દેખશે વિશ્વની સૌપ્રથમ મહિલા


સિડની, તા. ૩૦
અંધજનો બાયોનિક આંખથી આંશિક દૃષ્ટિ મેળવી શકશે
ઓસ્ટ્રેલિયન આઇ સર્જન્સે એક સીમાચિહ્નરૃપ ઓપરેશન કરીને દૃષ્ટિની આંશિક ખામી ધરાવતી મહિલાના આંખનાં પોપચાંમાં બાયોનિક આંખ બેસાડી છે. સંશોધકોનું કહેવું છે કે દૃષ્ટિની ખામી ધરાવતા લોકો માટે આ બાયોનિક આંખ આશીર્વાદરૃપ સાબિત થશે,કેમ કે આ આંખથી તેઓ આંશિક દૃષ્ટિ મેળવી શકશે અને સ્વતંત્ર રીતે હરીફરી શકશે.
ડિયેન એશવર્થ નામની ૫૪ વર્ષીય મહિલા 'રેટિનાઇટિસ પિગ્મેન્ટોસા' નામની વારસાગત તકલીફના કારણે દૃષ્ટિની ગંભીર ખામી ધરાવતી હતી. અહીંની રોયલ વિક્ટોરિયન આઇ એન્ડ ઇયર હોસ્પિટલ ખાતે ગત મે મહિનામાં તેના આંખનાં પોપચાંમાં પ્રોટોટાઇપ બાયોનિક આંખ બેસાડવામાં આવી હતી. તેને એક મહિના બાદ ખુલ્લી મૂકવામાં આવી હતી અને સંશોધકોએ પરિણામો આજે જાહેર કર્યા હતા.
સર્જરીમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ ડિયેનને પૂર્વીય મેલબોર્નમાં આવેલી બાયોનિક્સ ઇન્સ્ટિટયૂટમાં દાખલ કરવામાં આવી હતી. એક સ્થાનિક અખબારે તેને એમ કહેતી ટાંકી હતી કે, "બાયોનિક આંખ ચાલુ કરાતાં જ મને અચાનક રોશની દેખાઇ. તે એક અવિસ્મરણીય અને મજેદાર અનુભવ હતો. મારી આંખોની સામે રોશનીનો આકાર સતત બદલાતો રહેતો હતો."
બાયોનિક ઇન્સ્ટિટયૂટના ડિરેક્ટર રોબ શેફર્ડે જણાવ્યું હતું કે, "અમારું હવે પછીનું મિશન ઇલેક્ટ્રોડ્સના કારણે રેટિનામાં થતા ફેરફારોનું પરીક્ષણ કરવાનું છે. ઇન્સ્ટિટયૂટની લેબોરેટરીની મદદથી અમે ચકાસી રહ્યા છીએ કે ડિયેનને રેટિનાની સ્થિતિમાં બદલાવથી શું દેખાય છે?"
બાયોનિક આંખ કેવી રીતે કામ કરે છે ?
૧. કેમેરા ઇમેજ કેપ્ચર કરે છે અને ચશ્માંની જેમ પહેરવામાં આવતા એક્ષ્ટર્નલ પ્રોસેસિંગ યુનિટને ડેટા ટ્રાન્સમિટ કરે છે.
૨. એક્ષ્ટર્નલ વાયર દ્વારા ડેટા પ્રોસેસ્ડ થાય છે અને ઇમ્પ્લાન્ટેડ સિસ્ટમને મોકલાય છે.
૩. ઇમ્પ્લાન્ટેડ રિસિવર રેટિનલ ઇમ્પ્લાન્ટને સિગ્નલ્સ પાસ કરે છે.
૪. ઇમ્પ્લાન્ટેડ ઇલેક્ટ્રોડ રેટિનાને કાર્યાન્વિત કરે છે.
૫. રેટિનામાંથી મગજના વિઝન પ્રોસેસિંગ સેન્ટર્સને વિઝ્યુઅલ પાથવે દ્વારા ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ મોકલવામાં આવે છે.

No comments:

Post a Comment