Tuesday, March 5, 2013

દરિયાની સફર માણો ૧૩ કરોડની સબમરીનમાં


તા 4 માર્ચ
દુનિયામાં આજકાલ લોકોને વિવિધ જગ્યાઓએ ફરવાના શોખ જાગ્યા છે. ખાસ કરીને ધનિકોની વાત કરીએ તો તેઓ દેશ-વિદેશોમાં પ્રવાસ કરવા, મોંઘા મોંઘા ક્રૂઝમાં કે જહાજોમાં સવારી કરવી તેમની ખાસિયત થઈ ગઈ છે, તે સિવાય અત્યારે લોકોને સ્કૂબા ડાઇવિંગનું પણ ઘેલું લાગેલું છે. લોકો દરિયામાં જઈને ત્યાંની દુનિયાને અનુભવવા અને જાણવા માગે છે. આવાં જ લોકોને વધુ સારી સુવિધા આપવા માટે એક કંપની દ્વારા અનોખાં સાધનો વિકસાવવામાં આવ્યાં છે. યુ બોટ વર્ક્સ નામની એક નેધરલેન્ડની કંપની દ્વારા પેસેન્જર સબમરીનો બનાવવામાં આવી છે. આ સબમરીન ખરીદીને કોઈ પણ વ્યક્તિ પોતાનો દરિયામાં ફરવાનો શોખ પૂરો કરી શકે છે. હાલમાં જ આ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી સી એક્સ્પ્લોરર ફાઇવ ખરેખર અદ્ભુત છે.
સબએક્વા લિમોસિન નામની આ સબમરીનમાં એક પાયલટ સિવાય ચાર પેસેન્જર બેસી શકે છે. તેને સંપૂર્ણ રીતે પારદર્શક એક્રેલિકથી કવર કરવામાં આવે છે. તેમાં સબમરીન જેવી જ તમામ સુવિધાઓ છે. હકીકકતમાં તો તેને મિની સબમરીન જ કહી શકાય. તે ફુલ્લી એરકંડિશન્ડ છે તેમાં બેટરીથી ચાલતું એન્જિન છે, તેનો બેકઅપ ટાઇમ આઠ કલાક છે. આ સબમરીન દ્વારા દરમિયામાં ૩૦૦ મીટર સુધી નીચે જઈ શકાય છે. તે સિવાય એક્વા લિમોમાં સોનાર એલઈડી લાઈટ, એચડી વીડિયો કેમેરા વગેરે જેવી પણ સુવિધાઓ આપવામાં આવી છે. કંપની દ્વારા અત્યાર સુધીમાં સી-એક્સ્પ્લોરર રેન્જમાં ત્રણ મોડલ બનાવવામાં આવ્યાં છે, સી એક્સ્પ્લોરર-૨, સી એક્સ્પ્લોરર-૩ અને સી એક્સપ્લોરર-૫, આ ત્રણે મોડલોમાં એકબીજા કરતાં કોઈને કોઈ લાક્ષણિકતા વત્તાઓછા પ્રમાણમાં છે, જોકે સી એક્સપ્લોરર-૫ને કંપની દ્વારા એક્વા લિમો નામ આપવામાં આવ્યું છે. ૧૩ કરોડની આ મિની સબમરિન લક્ઝુરિયસ સબમરીન ગણાય છે. ખાસ કરીને સુપર-રિચ લોકો માટે જ આ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે.
સબ એક્વા લિમોની ખાસિયતો :
  • કિંમત : ૧૩ કરોડ રૂપિયા(અંદાજિત)
  • સામાન્ય ખાસિયતો :
  • ઓક્યુપન્ટ્સ : ૧ પાયલટ, ૪ પેસેન્જર
  • મેક્સિમમ ઓપરશન ડેપ્થ : ૩૦૦ મીટર-૧,૦૦૦ ફૂટ
  • બેટરીલાઇફ : ૮ કલાક સુધી, ઓપ્શનલ ૧૬ કલાક સુધી
  • ચાર્જિંગ માટે લાગતો સમય : ૪-૬ કલાક
  • પ્રેશર હોલ મટિરિયલ : એક્રેલિક અને સ્ટીલ(જેનાં કારણે પાણીનું દબાણ સરળતાથી સહન થાય)
  • ઇમર્જન્સી બેટરી : ૯૬ કલાક સુધી ચાલે તેટલી ક્ષમતા ધરાવતી બેટરી
  • લાઇફસપોર્ટ સિસ્ટમ :ઓક્સિજન સિસ્ટમ : પ્રવાહ સતત ચાલુ રહે છેમિશન ઓક્સિજન કેપેસિટી : ૩-૫ લિટર(ઝડપથી બદલાય તો)ઇમર્જન્સી ઓક્સિજન કેપેસિટી : ૪ x ૨૦ લિટર @ ૨૦૦ બારકાર્બનડાયોક્સાઇડ રિમૂવલ : ૮ કલાકમુશ્કેલીમાં જીવિત રહેવાની શક્યતા : ૯૬ કલાક સુધી જીવિત રહી શકાય
ઓવર વ્યૂ : સી એક્સ્પ્લોરર ફાઇવમાં અનેક નવાં ફીચર્સ ઉમેરવામાં આવ્યાં છે. ખાસ કરીને જ્યારે પાંચ લોકો તેમાં સવાર થઈને દરિયામાં ૩૦૦ મીટર નીચે જતાં હોય તો સુરક્ષાની બાબતને ધ્યાનમાં રાખવી પડે. આ મિની સબમરીનમાં સુરક્ષા અને સુવિધાનાં તમામ પાસાંઓને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. ખાસ તો તેનું પ્રેશર હોલ મટિરિયલ એક્રેલિક અને સ્ટીલથી બનાવવામાં આવ્યું છે જે લોકોને સારી સુરક્ષા પૂરી પાડે છે, તેનાં કારણે દરિયામાં નીચે જતાં કે એકાએક ઉપર આવતાં વ્યક્તિનાં કાન, નાક પર દબાણ નથી આવતું. સ્કૂબા ડાઇવિંગમાં આ સમસ્યા ખૂબ જ મોટી છે, તે ઉપરાંત મુશ્કેલીના સમયમાં તેમાં ૯૬ કલાક સુધી વ્યક્તિ જીવિત રહી શકે તેવી વ્યવસ્થા છે, તેમાં લગાવવામાં આવેલી 'ડેડ મેન સ્વિચ' મુશ્કેલીમાં આશીર્વાદ સમાન છે, જો દરિયામાં નીચે ગયા પછી કોઈ સમસ્યા થાય અને પાયલટ યોગ્ય રીતે સબમરીન ચલાવી ન શકે તો માત્ર આ સ્વિચ દબાવવાથી સબમરીન આપોઆપ દરિયાની સપાટી પર આવી જાય છે.